આવતા 7 નવેમ્બરે, સમગ્ર ગુજરાતમાં દેશભક્તિની ભાવનાથી ભરપૂર વાતાવરણ જોવા મળશે. કારણ કે આપણા રાષ્ટ્રપ્રેમનું પ્રતિક ગણાતું ગીત — “વંદે માતરમ” — પોતાના 150 વર્ષ પૂર્ણ કરી રહ્યું. “વંદે માતરમ” માત્ર એક ગીત નથી, પરંતુ એ ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષનો આત્મા છે. આ ગીતે હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રેરણા આપી હતી, દેશ માટે જીવવા અને જીવ આપવા માટે ઉત્સાહ જગાવ્યો હતો.
સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત
પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત “વંદે માતરમ” ના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઇ હતી અને એક નવી ઉંચાઇ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. ત્યારે રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની રાજ્યભરમાં ઉજવણી કરાશે.
સંસ્કૃતિ મંત્રાલય 7 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રગાન “વંદે માતરમ”ના 150 વર્ષ પૂરા થવાના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ 7 નવેમ્બર 2025 થી 7 નવેમ્બર 2026 સુધી એક વર્ષ લાંબા રાષ્ટ્રવ્યાપી સ્મૃતિ સમારોહનો ઔપચારિક પ્રારંભ દર્શાવે છે, જે આ કાલાતીત રચનાના 150 વર્ષની ઉજવણી કરે છે જેણે ભારતની સ્વતંત્રતા ચળવળને પ્રેરણા આપી અને રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને જગાડવાનું ચાલુ રાખ્યું.
2025માં વંદે માતરમના 150 વર્ષ પૂરા થાય છે. આપણું રાષ્ટ્રગાન “વંદે માતરમ”, જે બંકિમચંદ્ર ચેટરજી દ્વારા 7 નવેમ્બર 1875ના રોજ અક્ષય નવમીના શુભ પ્રસંગે લખાયું હોવાનું માનવામાં આવે છે. વંદે માતરમ સૌપ્રથમ સાહિત્યિક જર્નલ બંગદર્શનમાં તેમની નવલકથા આનંદમઠના ભાગ રૂપે શ્રેણીબદ્ધ રીતે અને પછી 1882માં એક સ્વતંત્ર પુસ્તક તરીકે પ્રકાશિત થયું હતું. તે સમયગાળા દરમિયાન, ભારતમાં મોટા સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિવર્તનો થઈ રહ્યા હતા, અને રાષ્ટ્રીય ઓળખ અને વસાહતી શાસન સામે પ્રતિકારની વધતી જતી ચેતના હતી. માતૃભૂમિને શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાના મૂર્ત સ્વરૂપ તરીકે બોલાવતા આ ગીતે ભારતની એકતા અને આત્મસન્માનની જાગૃત ભાવનાને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપી હતી. તે ટૂંક સમયમાં રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિનું કાયમી પ્રતીક બની ગયું. 24 જાન્યુઆરી 1950ના રોજ, બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જાહેર કર્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર “વંદે માતરમ”ને રાષ્ટ્રગીત “જન ગણ મન”ની સમાન સન્માન આપવામાં આવશે.
‘વંદે માતરમ’નું ગાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર સ્થિત વિધાનસભા પરિસરમાં યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન ‘વંદે માતરમ’ના મૂળ સ્વરૂપનું ગાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓની હાજરીમાં પણ સમૂહગાન થશે. રમતગમત, યુવા સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ અંગે રાજ્યની તમામ સંસ્થાઓને સૂચના આપી છે.
7 નવેમ્બરને ‘વંદે માતરમ’@150 તરીકે ઉજવવાનો નિર્ણય
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમની નવલકથા ‘આનંદમઠ’માં વંદેમાતરમ્ ગીત લખ્યું હતું. જે 7મી નવેમ્બરે પ્રસિદ્ધ થયું હતું. આ ગીતે સ્વાતંત્ર્ય આંદોલનના સમયગાળામાં ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જગાવી હતી. આ કારણે જ 7 નવેમ્બરને ‘વંદે માતરમ’@150 તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી યુવા પેઢી દેશના ઈતિહાસ અને રાષ્ટ્રીય ગીતની મહત્વતાથી પરિચિત થાય.
સમૂહગાન સાથે તિરંગા સલામી કાર્યક્રમો થશે
રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય કાર્યક્રમો, દેશભક્તિના ગીતો અને ‘વંદે માતરમ’ના સ્વરૂપમાં પ્રેરણાદાયી પ્રસ્તુતિઓ યોજાશે. સરકારી કચેરીઓમાં પણ સમૂહગાન સાથે તિરંગા સલામી કાર્યક્રમો થશે.
‘વંદે માતરમ@150’ – રાજ્યભરમાં ઉજવણી
ગુજરાત સરકાર અને અનેક સંસ્થાઓ મળીને 7 નવેમ્બરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.
રાજ્યના શાળાઓ, કોલેજો અને જાહેર સ્થળોએ ખાસ કાર્યક્રમો યોજાશે જેમાં સામેલ રહેશે —
- દેશભક્તિ ગીતો અને નૃત્ય સ્પર્ધાઓ
- “વંદે માતરમ”નું સમૂહગાન
- પ્રદર્શનીઓ અને લાઈટ શો
- સ્કૂલ-કોલેજોમાં જાગૃતિ રેલીઓ
આ સાથે સોશિયલ મીડિયા પર પણ “#VandeMataram150” હેશટેગ સાથે લોકો દેશપ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે
દેશના તમામ નાગરિકોને દેશભક્તિ અને કૃતજ્ઞતાની સામૂહિક અભિવ્યક્તિ તરીકે મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે આપણા રાષ્ટ્રગાનનું સન્માન કરે છે જે આપણને ગૌરવ, આદર અને સહિયારી ઓળખમાં એક કરે છે.