IPL 2025 Auction : આઈપીએલ 2025 મેગા હરાજીની તારીખ જાહેર, 1574 ખેલાડીઓએ કર્યું રજિસ્ટ્રેશન
આઈપીએલ 2025 ની મેગા હરાજીમાં 1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. IPL 2025 શરૂ થવાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આગામી સીઝન માર્ચ મહિનામાં શરૂ થશે, આ સિવાય 2026 અને 2027 માટે પણ ટૂર્નામેન્ટ શરૂ થવાની તારીખોની જાહેરાત થઈ ચુકી છે.
IPL 2025 મેગા ઓક્શનનો રોમાંચ ચરમ પર છે, દરમિયાના આઈપીએલ 2025 શરૂ થવાની તારીખો સામે આવી ગઈ છે. એક અહેવાલ અનુસાર, આગામી ત્રણ સીઝનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 2025 સીઝન 14 માર્ચથી 25 મે સુધી રમવામાં આવશે, તેની આગામી સીઝન 15 માર્ચે શરૂ થશે અને ફાઈનલ 31 મેએ રમવામાં આવશે. આ સિવાય આઈપીએલ 2027ની તારીખ પણ સામે આવી ગઈ છે, જે 14 માર્ચથી શરૂ થઈને 31 મે સુધી ચાલશે.
1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓ
આઈપીએલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ખેલાડીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 4 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. કુલ 1574 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓમાં 320 ખેલાડીઓ એવા છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચુક્યા છે. જ્યારે 1224 ખેલાડીઓ અનકેપ્ડ છે. એસોસિએટ નેશન્સના 30 ખેલાડીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આઈપીએલની 10 ટીમોને છ ખેલાડીઓને રિટેન કરવાની છુટ આપવામાં આવી હતી, જેની જાહેરાત 31મી ઓક્ટોબરે કરવામાં આવી હતી. રિટેન્શન બાદ હવે કુલ 204 સ્થાન છે જેના માટે ટીમો આ ખેલાડીઓ પર બોલી લગાવશે. દરેક ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ ટીમમાં રાખી શકે છે.
કયા દેશના કેટલા ખેલાડીઓ
| જાણો કયા દેશના કેટલા ખેલાડીઓ | |
| અફઘાનિસ્તાન | 29 |
| ઓસ્ટ્રેલિયા | 76 |
| બાંગ્લાદેશ | 13 |
| કેનેડા | 4 |
| ઇંગ્લેન્ડ | 52 |
| આયર્લેન્ડ | 9 |
| ઇટાલી | 1 |
| નેધરલેન્ડ્સ | 12 |
| ન્યૂઝીલેન્ડ | 39 |
| સ્કોટલેન્ડ | 2 |
| દક્ષિણ આફ્રિકા | 91 |
| શ્રીલંકા | 29 |
| UAE | 1 |
| અમેરિકા | 10 |
| વેસ્ટ ઇન્ડિઝ | 33 |
| ઝિમ્બાબ્વે | 8 |
આ દિગ્ગજો હરાજીમાં જોવા મળશે
આઈપીએલ 2025ની મેગા હરાજીમાં ઋષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને દીપક ચહર જોવા મળશે. આ સિવાય ડેવિડ વોર્નર, જોસ બટલર, ક્વિન્ટન ડી કોક, ગ્લેન મેક્સવેલ, ફાફ ડુપ્લેસિસ, ફિલ સોલ્ટ, સેમ કુરન અને મિશેલ સ્ટાર્ક જેવા મોટા ખેલાડીઓ પણ હરાજીમાં જોવા મળશે.
IPLની તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ માટે સારા સમાચાર એ છે કે લગભગ તમામ ફૂલ ICC સભ્ય દેશોએ આગામી ત્રણ સીઝન માટે તેમના ખેલાડીઓને IPLમાં રમવાની મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે 2025ની મેગા ઓક્શન પહેલા BCCIએ એક નવી રૂલ બુક બહાર પાડી હતી. આ અંતર્ગત જો કોઈ વિદેશી ખેલાડી મેગા ઓક્શનનો ભાગ નહીં બને તો તે આગામી બે સીઝન રમી શકશે નહીં. બીજી તરફ, જો કોઈ વિદેશી ખેલાડી ઓકશનમાં ખરીદાયા બાદ પોતાનું નામ પાછું લે છે તો તેને બે વર્ષનો પ્રતિબંધ ભોગવવાની સજાની જોગવાઈ છે.











