રાજ્યના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં અતિવૃષ્ટિ નુકસાનીને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે.રાજ્ય સરકારે રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. 5 જિલ્લા પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ અને જૂનાગઢના 18 તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જમીન ધોવાણમાં પણ ખાસ કિસ્સામાં સહાય અપાશે.
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદથી પાંચ જિલ્લાના 800 ગામમાં પાક નુકસાનનું વળતર ફાળવ્યું
રાજ્ય સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025ના મહિનામાં ભારે વરસાદને કારણે થયેલા પાક નુકસાનને પગલે ખેડૂતોને મદદરૂપ થવા માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. SDRF અને રાજ્ય સરકારના હિસ્સા રૂપે કુલ 947 કરોડની વળતરની સહાય ફાળવવામાં આવી છે.
જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ–થરાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ધાન, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને અન્ય પાકોમાં મોટું નુકસાન થયું છે. કુલ 18 તાલુકાના આશરે 800 ગામોમાં પાક નુકસાનનું મૂલ્યાંકન કરીને સહાય ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- ખરીફ 2025-26 ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં 33 % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ.8,500/- ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.3,500/- એમ કુલ રૂ.12,000/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2(બે) હેક્ટરની મર્યાદામાં સહાય.
- વર્ષાયુ/પિયત પાકોના 33 % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ.17,000/- ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.5,000/- એમ કુલ રૂ.22,000/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2(બે) હેક્ટરની મર્યાદામાં સહાય.
- બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂ.22,500/- ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.5,000/- એમ કુલ રૂ.27,500/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં સહાય.
- આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂ.20,000/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2(બે) હેક્ટરની મર્યાદામાં સહાય.