દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડમાં શું ફેર?
ઘણા લોકો પાસે જમીન હોય છે, પણ મોટાભાગે લોકોને ખબર નથી પડતી કે દસ્તાવેજ (Document) અને પ્રોપર્ટી કાર્ડ (Property Card) એક જ છે કે અલગ? હકીકતમાં આ બંનેમાં મોટો તફાવત છે. ચાલો સરળ ભાષામાં સમજીએ.
દસ્તાવેજ એ જમીન ખરીદી કે વેચાણ સમયે બનેલો કાયદેસરનો પુરાવો છે. આ દસ્તાવેજમાં જમીનનો માલિક કોણ છે, કઈ તારીખે ખરીદ વેચાણ થયું, કેટલો વિસ્તાર છે અને કેટલી કિંમત છે જેવી વિગત હોય છે.
જ્યારે પ્રોપર્ટી કાર્ડ એ જમીનના હાલના માલિકની વિગત દર્શાવતું સત્તાવાર રેકોર્ડ છે, જે શહેર વિસ્તારોમાં ખાસ જરૂરી છે. પ્રોપર્ટી કાર્ડ જમીનના હક્કની પુષ્ટિ આપે છે કે હાલની માલિકી કોની છે.
સરળ ભાષામાં કહીએ તો:
-
દસ્તાવેજ = જમીન ખરીદ/વેચાણનો પુરાવો
-
પ્રોપર્ટી કાર્ડ = જમીનના હક્કનો પુરાવો
દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડમાં શું ફરક છે?
આખી વાતને સમજવા માટે આ એક સરળ ઉદાહરણ યાદ રાખો. માની લો કે દસ્તાવેજ એ સિનેમા હોલની ટિકિટ છે, જે સાબિત કરે છે કે તમે શો જોવા માટે પૈસા ચૂકવ્યા છે. પરંતુ પ્રોપર્ટી કાર્ડ કે 7/12નો ઉતારો એ સિનેમા હોલના ઓથોરાઈઝ્ડ રજિસ્ટરમાં લખાયેલું તમારું નામ છે, જે એ નક્કી કરે છે કે એ સીટના અસલી હકદાર તમે જ છો.
- દસ્તાવેજ (Sale Deed): આ એક કાયદેસર કરાર છે જે મિલકતની ખરીદી કે વેચાણની પ્રોસેસ પૂરી થઈ હોવાની સાબિતી આપે છે. તે જણાવે છે કે વેચનારને પૈસા મળી ગયા છે અને ખરીદનારને મિલકતનો કબજો મળ્યો છે. પણ આ સોદાની પહોંચ છે, માલિકીનો ફાઈનલ પુરાવો નથી.
- પ્રોપર્ટી કાર્ડ અને 7/12 ઉતારો: આ સરકારના મહેસૂલી રેકોર્ડ છે. જ્યારે તમે દસ્તાવેજના આધારે મહેસૂલી કચેરીમાં અરજી કરો છો, ત્યારે સરકારી ચોપડે જૂના માલિકનું નામ હટાવીને તમારું નામ માલિક તરીકે લખવામાં આવે છે. આ પ્રોસેસને ‘નોંધ દાખલ કરાવવી’ કે ‘મ્યુટેશન એન્ટ્રી’ કહે છે. આ રેકોર્ડ જ તમારી માલિકીનો ઓફિશિયલ સરકારી પુરાવો છે.
શહેર અને ગામડાના રેકોર્ડમાં શું ફેર?
ગુજરાતમાં મિલકતની માલિકીના સરકારી રેકોર્ડ માટે બે અલગ-અલગ સિસ્ટમ છે:
- શહેરી વિસ્તાર (જ્યાં સિટી સર્વે લાગુ છે):
- મુખ્ય પુરાવો: પ્રોપર્ટી કાર્ડ (Property Card)
શહેરના જે વિસ્તારોમાં સરકાર દ્વારા જમીનની વિગતવાર માપણી (સિટી સર્વે) થયેલી છે, ત્યાં દરેક મિલકતને એક યુનિક સિટી સર્વે નંબર (CTS No.) ફાળવવામાં આવે છે. આ નંબરના આધારે બનતા કાર્ડને ‘પ્રોપર્ટી કાર્ડ’ કહેવાય છે. તે મિલકતનું ક્ષેત્રફળ, માલિકનું નામ, લોન કે બોજાની વિગતો જેવી તમામ માહિતી દર્શાવે છે. ટૂંકમાં, તે શહેરની મિલકતનું આધાર કાર્ડ છે.
- ગ્રામ્ય વિસ્તાર અને ખેતીની જમીન:
- મુખ્ય પુરાવો: ગામના નમૂના નં. 7/12 અને 8-અ
સાત-બારજમીનની કુંડળી છે. ‘નમૂના નં. 7’ માલિકી હક દર્શાવે છે, અને ‘નમૂના નં. 12’ પાકની વિગતો દર્શાવે છે.આઠ-અ એક જ ગામમાં એક વ્યક્તિના નામે કુલ કેટલી જમીન છે તેનો સારાંશ દર્શાવતું ખાતાવાહી પત્રક છે.
હવે ગામના મકાનોને પણ મળશે પ્રોપર્ટી કાર્ડ
પહેલા ગામડામાં ફક્ત ખેતીની જમીનનો જ રેકોર્ડ રહેતો હતો, રહેણાંક મકાનો (ગામઠાણની મિલકત)નો કોઈ ઓફિશિયલ માલિકી પુરાવો નહોતો. હવે કેન્દ્ર સરકારની ‘સ્વામિત્વ યોજના’ હેઠળ ડ્રોન ટેકનોલોજીથી ગામડાના રહેણાંક વિસ્તારોનો સર્વે કરીને દરેક ઘર માલિકને તેમનું ‘પ્રોપર્ટી કાર્ડ’ આપવામાં આવી રહ્યું છે. તેનાથી ગ્રામીણ નાગરિકોને પોતાની રહેણાંક મિલકત પર લોન લેવામાં અને વેચાણ કરવામાં સરળતા રહેશે.
પ્રોપર્ટી કાર્ડ/7/12 કેવી રીતે કઢાવશો?
હવે તમારે મામલતદાર કે તલાટીની કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ગુજરાત સરકારના iORA (Integrated Online Revenue Applications) પોર્ટલ પરથી ડિજિટલી સાઈન કરેલો કાયદેસર પુરાવો સરળતાથી મેળવી શકો છો.
7/12નું કેટલું મહત્ત્વ?
7/12 ઉતારા એટલે જમીનનો ઇતિહાસ. ગ્રામ્ય વિસ્તારોમાં જમીન સંબંધિત તમામ માહિતી 7/12 ઉતારામાં મળે છે.
તેમાં નીચેની માહિતી હોય છે:
- માલિકનું નામ
- જમીનનો સર્વે નંબર
- વિસ્તાર
- પાકની માહિતી
- હકદારની વિગત
જમીન પર કોઈ બોજો છે કે નહીં, લોન છે કે નહીં — તે પણ 7/12 પરથી જાણી શકાય છે. એટલે 7/12 ઉતારો ખેડૂત કે જમીન માલિક માટે ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે.
વીડિયો જુઓ સંપૂર્ણ માહિતી આપેલ છે